ટ્રમ્પે વિઝા પર લગાવેલા પ્રતિબંધના સમયમાં વધારો કર્યો, કેટલા લોકો પર થશે અસર?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસોમાં એવો નિર્ણય લીધો છે કે જેનાથી અમેરિકામાં રહેનાર હજારો ભારતીયોને મુસીબતનો સામનો કરવો પડશે, ટ્રમ્પે ગ્રીન કાર્ડ અને વર્ક વિઝા પરના પ્રતિબંધને 31 માર્ચ સુધી લંબાવી દીધા છે, હાલમાં જ ટ્રમ્પે આ સંબધિત એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જણાવી દઈએ કે એપ્રિલમાં ટ્રમ્પે ગ્રીનકાર્ડ ધારકો પર પ્રતિબંધની જાહેરાત કરી અને જૂનમાં ટ્રમ્પે H-1B વિઝા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની અસર અમેરિકામાં કામ કરી રહેલા IT ક્ષેત્રના ભારતીયો પર પડી હતી. કેટલા લોકો પર અસર?
અમેરિકા દર વર્ષે 1,40,000 જેટલા ગ્રીનકાર્ડ જાહેર કરે છે, હાલમાં અમેરિકામાં રહેનાર લગભગ 10 લાખ જેટલા વિદેશી નાગરિકો અને તેના પરિવારની વિઝા પ્રક્રિયા અટકી છે, આ લોકોને મંજૂરી તો મળી ગઈ છે. પરંતુ ગ્રીનકાર્ડ હજી સુધી મળ્યો નથી, સાથે જ H-1B વિઝા પર અસ્થાયી પ્રતિબંધને કારણે એશિયાના લોકો પર અસર પડી રહી છે કારણકે H-1B વિઝા માટે એપ્લાય કરતા 80 ટકા લોકો એશિયાના હોય છે, જેમાં મોટા પ્રમાણમાં ભારતીયો સામેલ છે,
ઈન્ફોસીસ, વિપ્રો, ટીસીએસ વગેરે વિદેશી ભારતીય આઈટી કંપનીઓની મોટાભાગની આવક અમેરિકાથી થાય છે. હાલમાં લગભગ 100 જેટલી ભારતીય કંપનીઓ યુ.એસમાં કાર્યરત છે, જેના કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ એક મોટો મુદ્દો છે. આ નિર્ણય તેમના ધંધાને બગાડી શકે છે, તેથી ભારત સરકારે આ મુદ્દાને સત્તાવાર સ્તરે ઉઠાવવો જોઈએ. નિર્ણય પાછળનું કારણ
કોરોનાને કારણે અમેરિકામાં રોજગારીના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેથી અમેરિકન નાગરીકોને વધુ નોકરી અને તકો મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ટ્રમ્પે જૂનમાં જ કહ્યુ હતુ કે કોરોનાને લીધે અમેરિકન પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે, ટ્રમ્પે જાહેરાત કરી છે કે 31 માર્ચ પછી આ પ્રતિબંધ હટશે, પરંતુ જો સ્થિતિમાં સુધારો નહીં થયો તો આ પ્રતિબંધને હજુ લંબાવવામાં આવી શકે છે, મોટાભાગના અમેરિકનો ટ્રમ્પના આ પગલાને સમર્થન આપી રહ્યા છે, કારણકે અમેરિકામાં હજી પણ લગભગ 20 કરોડ લોકો બેકારી ભથ્થાઓ પર જિંદગી ગુજારી રહ્યા છે.
ત્યારે નવનિયુક્ત જો બાઈડેન 20 જાન્યુઆરીએ શપથ લેશે. તેમણે જૂન અને ત્યારબાદ ઓક્ટોબરમાં આ પ્રતિબંધોનો વિરોધ કર્યો હતો. જો કે બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા પછી આ નિર્ણયમાં ફેરફાર કરશે કે નહીં એને લઈને કોઈ સ્પષ્ટતા થઈ નથી
Comments
Post a Comment